હવાનું હળવું દબાણ સર્જાતાં પવનની ગતિ વધશે અને અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે ત્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું
રાજ્યમાં હજુ શિયાળાએ દસ્તક દીધી નથી અને મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. શિયાળુ પાકનું વાવેતર અને એમાં ય ખાસ કરીને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતો ઠંડી પડે તેની રાહ જાેઈ રહ્યા છે પણ ઠંડી હજુ જાેઈએ તેવી પડતી નથી.
હવામાન નિષ્ણાતો પરેશ ગોસ્વામીથી લઈ અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, શિયાળો ૨૦થી ૨૫ દિવસ મોડો છે અને હજુ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ નથી. ૨૦ નવેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ શકે છે અને બાદમાં ૨૨ ડીસેમ્બરથી કાતિલ ઠંડીની શરૂઆત થઈ શકે છે. બીજી તરફ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે અને જે હજુ એકાદ સપ્તાહ સુધી જાેવા મળી શકે છે. આ તરફ ૧૪થી ૧૬ નવેમ્બર દરમિયાન હવાનું હળવું દબાણ જાેવા મળી શકે છે અને જેની અસરના કારણે ૧૬ નવેમ્બરથી રાજ્યના ઘણા ખરા વિસ્તારો અને ખાસ કરીને દરિયા કિનારેના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જાેવા મળી શકે છે. આ સમય દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલની માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે ત્યારે હવે માવઠાની આગાહીએ ખેડૂતોના ધબકારા વધાર્યા છે. અંબાલાલ પટેલે વધુ ખેડૂતોને ચેતવતા કહ્યું કે, ખેતી પાક ખુલ્લામાં પડ્યો હોય તો સલામત સ્થળે લઈ લેવો હિતાવહ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, દિવાળીના સમયે માવઠાની શક્યતા છે અને આ સમય દરમિયાન તોફાની પવન ફૂંકાઈ શકે છે.
વર્ષના અંત સુધી માવઠું જાેવા મળી શકે છે અને જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ ઘણા ખરા ખેડૂતો ઠંડી પડવાની રાહ જાેઈ રહ્યા છે અને જેના કારણ શિયાળું વાવેતર અને એમાં ય ખાસ કરીને ઘઉંની વાવણી કરી શક્યા નથી.